સેદ્રાસણ ખાતે મહાદેવના મંદિરમાં આંજણા સમાજની સભામાં સંસ્થાના વિચારનો જન્મ. જિલ્લાભરના બાળકો માટે બોર્ડિંગ સુવિધા આપવાનો હેતુ.
'બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ' તરીકે રજિસ્ટ્રેશન. કુંવરભાઈ છોટાલાલ મહેતાના મકાનમાં માસિક ₹141 ભાડાથી વિદ્યાર્થી ભવનની શરૂઆત.
પાલનપુરમાં 18 એકર અને 20 ગુંઠા જમીન ખરીદીને પોતાના ભવનમાં છાત્રાલયની શરૂઆત. આદ્યસ્થાપકોનું નેતૃત્વ: શ્રી હરીભાઈ રામજીભાઈ દેસાઈ, શ્રી ફલજીભાઈ ડોહજીભાઈ પટેલ, શ્રી મુળજીભાઈ ગમાનભાઈ પટેલ.
ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવા માટે આદર્શ વિદ્યાલયની સ્થાપના. શાળાએ ઝડપથી શૈક્ષણિક ક્ષેત્રે નામના મેળવી.
ઉચ્ચતર માધ્યમિક શાળાની શરૂઆત. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.
વિજ્ઞાન પ્રવાહ સાથે ઉચ્ચ શિક્ષણની શરૂઆત. વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિક શિક્ષણની સુવિધા.
આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.સી.એ. અને નર્સિંગ જેવા અભ્યાસક્રમો સાથે શૈક્ષણિક સંસ્થા તરીકે વિકાસ. લાલાવાડા કેમ્પસમાં 22 વિઘા જમીન પર નવી શાળા અને 'આદર્શ અકાદમી ગુરુકુળ'ની સ્થાપના.
દેશની આઝાદીના સાતેક વર્ષ બાદ એટલે કે સને 1954 માં આપણો વિસ્તાર પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિચારધારામાં તાલ મિલાવે તે માટે 'સેદ્રાસણ' મુકામે મહાદેવના મંદિરમાં આંજણા સમાજની સભામાં આ સંસ્થાનું વિચારબીજ રોપાયું. જેનો હેતુ જિલ્લાભરના બાળકો પાલનપુરમાં રહી અભ્યાસ કરી શકે તે માટે બોર્ડિંગ (છાત્રાલય) સુવિધા આપવાનો હતો. જેના પરિપાકરૂપે 'બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ' પાલનપુર સને 1955 માં નામાભિધાન કરી રજીસ્ટ્રેશન થયું. શરૂઆતમાં કુંવરભાઈ છોટાલાલ મહેતાના મકાનમાં માસિક ₹141 ભાડાથી વિદ્યાર્થી ભવનની શરૂઆત થઈ. સને 1956 માં બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળે બોર્ડિંગનું મકાન ખરીદવાનું નક્કી કર્યું. બેગમ સાહેબ નવાબ શ્રી પાલનપુરની માલિકીનું મકાન, છૂટી જમીન અને કુવા સહિત આશરે 18 એકર જમીન ખરીદીને સમતળ કરી વડલાઓની છત્રછાયા ની બાજુમાં પતરાવાળી ઓરડીઓમાં છાત્રાલયની શરૂઆત કરી. સંસ્થાના પાયાના આદ્યસ્થાપકોમાં શ્રી હરીભાઈ રામજીભાઈ દેસાઈ (જગાણા), શ્રી ફલજીભાઈ ડોહજીભાઈ પટેલ (જલોત્રા), શ્રી મુળજીભાઈ ગમાનભાઈ પટેલ (વડગામ), શ્રી દોલજીભાઈ ગણેશભાઈ પટેલ (સાગ્રોસણા), શ્રી કાળુભાઈ રઘાભાઈ લોહ (ખોડલા), શ્રી પરથીભાઈ હાથીભાઈ મોર (વાસણ), શ્રી પરથીભાઈ હેમતાભાઈ પટેલ (ચિત્રોડા) મોખરે રહ્યા. તેઓએ સમગ્ર સમાજને જોડીને શિક્ષણની દિશા આપી. તેમનું અને સમાજના અગ્રણીઓનું યોગદાન અમૂલ્ય છે.
અતિતના પગથાર અને આશા- નિરાશાના અનુભવો દ્વારા વધુ બળ અને પ્રેરણા પ્રાપ્ત કરી સંસ્થાએ વિકાસની કેડીએ કદમ માંડ્યા. જેમ-જેમ વર્ષો વીતતા ગયા એમ શિક્ષણના વહેણ બદલાતા ગયા. શિક્ષણની ભૂખ સંતોષવા, શિક્ષણ યુક્ત નવસર્જનના સોનેરી સ્વપ્નો સાકાર કરવા સંસ્થાના પ્રણેતાઓએ હૈયામાં હામ ભીડી સને 1966 માં વડલાની શાન ધરાવતી 'આદર્શ વિદ્યાલય' ના નામે માધ્યમિક શાળાની શરૂઆત કરી. ભામાશાઓની દિલેરીથી દાનનો પ્રવાહ સતત વહેવા લાગ્યો અને આધુનિક સુવિધા યુક્ત મકાનો બનતા રહ્યા. પરિવર્તનશીલ યુગમાં આવતા પરિવર્તનો ઝીલવાના ઉમદા આશયથી સને 1980 થી ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી. તેની સાથે સાથે જરૂરિયાત મુજબ જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી જિલ્લાના મુખ્ય મથકે શિક્ષણ માટે આવતા બાળકો માટે કુમાર અને કન્યા છાત્રાલય સુવિધા યુક્ત નિવાસ ભવનો બન્યા. સને 1995 થી વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવ્યો. કાળક્રમે વિકાસની કેડીઓ કંડેરીને નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી બાલમંદિર થી પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ. સમયના વહેણ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળ સાથે તાલ મિલાવવા કેળવણી મંડળ દ્વારા આર્ટસ, કોમર્સ, સાયન્સ, બીસીએ અને નર્સિંગ જેવા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો શરૂ કરી આધુનિક સુવિધા યુક્ત સ્વતંત્ર પરિસર શોભાયમાન છે. સમયની માંગ મુજબ સેન્ટ્રલ લાઇબ્રેરી અને વ્યાયામ શાળાની પણ સુવિધા કરવામાં આવી. લાલાવાડા કેમ્પસ ખાતે વિશાળ 22 વીઘા જમીનમાં શિસ્ત, સંસ્કાર અને શિક્ષણનો ત્રિવેણી સંગમ કરાવતી બાલમંદિર થી ધોરણ 12 સુધી અંગ્રેજી મીડીયમ શાળા અને આદર્શ અકાદમી ગુરુકુળના કોન્સેપ્ટ સાથે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય કાર્યરત છે.
આમ વિદ્યાનો દીપ સતત પ્રજવલિત રહે તેના માટે બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે ભગીરથ પ્રયત્નો થયા છે. જેમાં દાતાઓ, સમાજના હિતેચ્છુઓ , વડીલો પ્રબુદ્ધ જનો યશના ભાગીદાર રહ્યા છે. આજે 'આદર્શ વિદ્યા સંકુલ' અને 'લાલાવાડા કેમ્પસ' માં અનેક વિદ્યા શાખાઓ શિક્ષણનું સૌરભ પાથરતી જોવા મળે છે. પાંગરતા છોડની જેમ કેળવણી મંડળે નવી નવી વિચારધારાઓનું જતન, સંવર્ધન કર્યું છે. સમયની માંગ સાથે અભ્યાસના વિષયો શિક્ષણની ટેકનોલોજીમાં નવા આવિષ્કારો લાવી આજના શિશુની આવતીકાલ ઉજ્જવળ બને એવા પ્રયત્નો થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓને તેમની રુચિ, કુશળતા અને ભવિષ્યની શક્યતાઓના આધારે યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં માર્ગદર્શન આપવું અમારી મુખ્ય સેવા છે. અમે ઉચ્ચ અભ્યાસ, વ્યાવસાયિક કોર્સ, ઇન્ટર્નશિપ, તેમજ રોજગારની તકઓ અંગે નિષ્ણાત માર્ગદર્શન અને સતત સપોર્ટ પ્રદાન કરીએ છીએ.
વ્યવસાય અને અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને ટેક્નિકલ સપોર્ટ આપવાનો અમારો દૃઢ પ્રયત્ન.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાય અને માર્ગદર્શન આપવા માટેની અમારી સમર્પિત ટીમ.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાય અને માર્ગદર્શન આપવા માટેની અમારી સમર્પિત ટીમ.
જીલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કેળવણી મંડળની સંસ્થામાં શિક્ષણના નવા પ્રવાહોનો સમાવેશ કરીને આ સામાજિક જરૂરીયાતને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું.
શિક્ષણ, સંશોધન અને જ્ઞાનના ઉપયોગ માટે વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા પૂરી પાડવી.
અસરકારક શિક્ષણનું વાતાવરણ પૂરૂં પાડી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવો, સ્વસ્થ પડકારો અને સ્પર્ધાઓ માટે પ્રેરીત કરવા.
વિદ્યાર્થીઓ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને.
અમારી સાથે જોડાઓ અને તમારા સપનાઓને સાકાર કરો